ઉમરેઠ : ઉમરેઠ તાલુકામાં મહી કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. હજુ થોડા સમય પહેલાં બનેલી કેનાલમાં ગાબડું પડવાની ઘટનાની શાહી પણ સુકાઈ નથી ત્યાં ફરી મેઘવા-બડાપુરા ગામ પાસે મહી કેનાલમાં ગાબડું પડતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.આ પહેલા થોડા દિવસ અગાઉ જ હમીદપુરા ખાતે કેનાલમાં ગાબડું પડયું હતું અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યાં આ ફરી ગાબડાં ને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી જો કે આ વખતે તંત્રએ પૂરી તૈયારી દાખવી તુરત જ ગાબડું પૂરી દીધું હતું. કેનાલ પર ગાબડાંની જાણ થતાં લોકોએ આણંદ જિલ્લા પુરવઠા અધિકારી તથા ઉમરેઠના મામલતદારે તાત્કાલિક મહી સિંચાઈ વિભાગ, નડિયાદનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગાબડું પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. વારંવાર કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓને લઈને ખેડૂતો અને ગ્રામજનોએ કેનાલની ગુણવત્તા, જાળવણી અને સમયસર મરામત અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.
