વિવાદિત ભાડા વિધેયકની અમલવારી નહીં કરાય તેવી એડવોકેટ જનરલની હાઈકોર્ટમાં ખાતરીના અહેવાલો વચ્ચે પણ આણંદ સહિત ચરોતરમાં મંગળવારે વકીલોની હડતાળ અને વિરોધ પ્રદર્શન જારી રહ્યાં હતા. આણંદમાં તો વકીલોએ સામૂહિક રીતે ડિસ્ટ્રીક્ટ કોર્ટના ગેટ બંધ કરીને વિવાદિત બિલની નકલની હોળી કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી વકીલ એકતા ઝિંદાબાદના સૂત્રોચ્ચાર કર્યા હતા. વકીલોનો મુખ્ય વિરોધ ભાડા સંબંધિત વિવાદોના નિરાકરણની સત્તા ન્યાયિક અદાલતોમાંથી કલેક્ટર-ડેપ્યુટી કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓને સોંપવાની જોગવાઈ સામે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આહવાનને પગલે રાજ્યભરમાં કોર્ટ, ટ્રિબ્યુનલ અને મહેસૂલી કચેરીઓની કામગીરીના બહિષ્કારનો નિર્ણય લેવાયો છે. આણંદમાં પણ મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં વકીલોએ આજે સતત ત્રીજા દિવસે પણ વિરોધ જારી રાખી વિવાદિતની જોગવાઈઓને તાકીદે રદ કરવાની માંગ કરી હતી. આજે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં એકત્રિત થયેલા વકીલોએ ગેટ બંધ કરી તેની બહારના ભાગે વિવાદિત બિલની નકલની હોળી કરી સૂત્રોચ્ચાર કરી તેની જોગવાઈઓને પાછી ખેંચવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં સુધી આ બિલને સરકાર પાછું ખેંચવા અંગે કોઈ સંતોષકારક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી હડતાળ સાથે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની મક્કમતા વકીલોએ દર્શાવી હતી. બીજી બાજુ સિવિલ, ક્રિમિનલ સહિત અન્ય ન્યાયિક કોર્ટોમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળના કારણે ન્યાયિક કાર્યવાહી ખોરવાયેલી રહી હતી. તેથી સરકાર દ્ધારા હવે ભાડા વિધેયકના વિવાદિત બિલને તાકીદે પર ખેંચવાની સત્તાવાર જાહેરાત કરવામં આવે તેવી માંગ પણ ઉગ્ર બનવા લાગી છે.
