દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આણંદ જિલ્લાના ઉમરેઠ નગરની એસ.એન.ડી.ટી. કોલેજના ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહીડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી અને પરેડ નિરીક્ષણ કર્યું હતુ.  

80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે મંત્રી સંજયસિંહ મહીડાએ જિલ્લાવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી આઝાદીના મહાયજ્ઞમાં સર્વોચ્ચ બલિદાન આપનાર અમર ક્રાંતિકારીઓ અને શહીદોને તેમણે ભાવપૂર્ણ વંદન કર્યા હતા. આ પ્રસંગે મંત્રીએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ સહિતના મહાપુરૂષો અને નામી - અનામી શહીદોને યાદ કરી તેમને ભાવપૂર્ણ શ્રાધ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે મંત્રીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ આણંદની પવિત્ર ભૂમિ પર તિરંગો લહેરાવવાનો અવસર મળવો એ ગૌરવની વાત હોવાનું પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં કહયું હતુ કે, કૃષિ, પશુપાલન ક્ષેત્રે શ્વેતક્રાંતિ અને સહકારિતાના પ્રતીક એવા આણંદ જિલ્લામાં પશુપાલન અને ડેરી ઉદ્યોગને આધુનિકતા આપવા અમૂલ AIની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોને 22 હજાર કરોડથી વધુની રાહત સહાય અપાઈ છે. તેમણે વર્ષ 2026-27 ના બજેટમાં કૃષિ વિભાગ માટે 24 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને 2.19 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ્ પ્રેરિત કરાયા હોવાનું પણ જણાવ્યું હતું. રાજ્યમાં થયેલ ઔદ્યોગિક વિકાસ, રોજગારી અને માળખાગત વિકાસનો ચિતાર આપતા મંત્રીએ જણાવ્યુ હતુ કે, દેશની પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત સાણંદ અને ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ સ્થાપી હાઈટેક રોજગારીનું નિર્માણ કરાઈ રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં રોજગાર મેળાઓ થકી 6.54 લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.આ પ્રસંગે આણંદની આનંદાલય સ્કૂલ, નોલેજ હાઇસ્કુલ, આણંદ આર્ટસ કોલેજ, ઉમરેઠની પ્રગતિ હાઇસ્કુલ, સરસ્વતી સ્કૂલ અને આગમ હાઇસ્કુલ તથા વિદ્યાનગર સ્થિત ચારૂતર વિધામંડળ અને જયકુબેર મલખમ સ્પોર્ટ્સ એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારાદેશભક્તિને અનુરૂપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે જિલ્લાને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરે નામના અપાવનારા વિશિષ્ટ વ્યક્તિશ્રીઓનું તથા જિલ્લાના કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ/કર્મચારીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાના વિદ્યાર્થીઓને પણ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ વેળાએ ઉમરેઠ તાલુકાના વિવિધ વિકાસ કામો માટે મંત્રીના હસ્તે રૂ. 25 લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખને એનાયત કરાયો હતો.ઉમરેઠ ખાતેના સમારોહમાં સાંસદ મિતેશભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, લાલસિંહ વડોદિયા, નાયબ વન સંરક્ષક સુરેશ મીણા, નિવાસી અધિક કલેકટર રાહુલ ગમારા સહિતના અધિકારીઓ તથા તાલુકાના અગ્રણી પદાધિકારીઓ, જિલ્લાના વિવિધ શાળાના શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.