કરમસદ - આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધા વધારવા અને વિવિધ વિભાગો હેઠળ વિકાસલક્ષી અને પ્રજાકલ્યાણકારી કામગીરી હાથ ધરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર અને વહીવટદાર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરને આગળની કાર્યવાહી માટે અધિકૃત કરતા મહત્વના નિર્ણયો લેવાયા છે. તે મુજબ સિવિલ ઈજનેરી અને સીટી બ્યુટીફ્કિેશન વિભાગ હેઠળ ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રૂ. પાંચ કરોડની મહત્તમ રાજ્ય સહાય મંજૂર કરવામાં આવી છે. કરમસદ આણંદ વિસ્તારમાં લાઈબ્રેરી માટે યોગ્ય સ્થળ નક્કી કરી, ડી.પી.આર. પ્લાન અને અંદાજ તૈયાર કરવા માટે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ આણંદ શહેરના ટી.પી. 1, 2 અને 3 વિસ્તારમાં વર્ષો જૂની પાણીની પાઈપલાઈનો બદલીને નવી પાઈપલાઈનનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊભું કરાશે. શહેરી વિકાસ વિભાગની નીતિ મુજબ ખાનગી સોસાયટીઓમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, રેન વોટર હાર્વેસ્ટિંગ, સીસીટીવી કેમેરા અને ઓપન જીમ જેવી મૂળભૂત સુવિધાઓ માટે 70% રાજ્ય સરકાર, 20% જનભાગીદારી અને 10% સ્થાનિક સંસ્થાના ફળા સાથે વિકાસ કામો હાથ ધરવા સર્વે અને દરખાસ્ત કરવાની મંજૂરી આપેલ છે. આ ઉપરાંત શહેરી મલેરિયા વિભાગ દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે રૂ. 8,73,000ના ખર્ચે 3 નાના અને 2 મોટા ફોગીંગ મશીન અને રૂ. 15,84,000ના ખર્ચે ખરીદવાની પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં સ્થાયી સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
