આણંદના રેલ્વે સ્ટેશનની કાયાપલટ કરવાની વાતો પોકળ સાબિત થઇ છે. રેલ્વે સ્ટેશન પર મુસાફરો માટે ઉભી કરવામાં આવેલી સુવિદ્યાઓનો અભાવ જોવા મળ્યો છે.
સ્ટેશનની મુલાકાતે આવતા વડોદરા મંડળના અધિકારીઓ માટે સ્ટેશન ઉપર સાફસાફાઇ અને સજાવટ કરવામાં આવે છે. પરંતુ મુસાફરો માટે સુવિદ્યાઓ માત્ર કાગળ પર હોવાનું ફલીત થયું છે. સ્ટેશન પર દિવ્યાંગ માટેના શૌચાલયને ખંભાતી તાળા મારવામાં આવ્યા છે. જ્યારે પ્લેટફોર્મની પાછળ કચરાના ઢગ ખડકાયેલા જોવા મળ્યા છે. બ્રિટીશ કાળના રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરો માટે અનેક સુવિદ્યાઓ આજે પણ ઉપલબ્ધ ન હોવાનો ગણગણાટ મુસાફરોમાં થઇ રહ્યો છે. રેલ્વે બજેટમાં આણંદના રેલ્વે સ્ટેશનને બ્યુટીફીકેશન માટે કરોડોની જોગવાઇ કરી હોવા છતા નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાની ફરીયાદો ઉઠી છે. દુધ નગરી તરીકે ઓળખાતા આણંદ શહેરમાં વૈશ્વિક બ્રાન્ડ અમૂલ, એનડીડીબી, ઇરમા જેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓનું વડુ મથક આવેલું છે. પરંતુ બહારથી રેલ્વે માર્ગે આવતા મુલાકાતીઓ સ્ટેશનની દુર્દશા જોઇને આશ્ચર્ય પામી રહ્યા છે. ડીઆરએમની ઉડતી મુલાકાત સમયે સ્ટેશનને સુશોભન, સફાઇ કરીને અધિકારીને આવકારવા માટે દેખાડા પુરતી જ કામગીરી કરવામાં આવે છે. અધિકારીના વિદાય બાદ સ્ટેશન ઉપર ગંદકી, પાર્કીંગની અવ્યવસ્થા, શૌચાલયમાં સફાઇનો અભાવ જોવા મળે છે. ભારતીય રેલ વિભાગના પ્લેટફોર્મ ઉપર નિયમિત સફાઇ ન થતા રેલ્વેતંત્રની બેદરકારી છતી થઇ છે. તેમાં પણ ખાસ કરીને દિવ્યાંગો માટેના શૌચાલયને તાળુ મારી રાખવામાં આવતા દિવ્યાંગ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્રએ સમસ્યાના ઉકેલ માટે ત્વરીત નિર્ણય લેવાની આવશ્યકતા વર્તાઇ છે.










