આણંદ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં મુશળધાર વરસાદે જિલ્લાને ઘમરોળ્યુ હતું. જેમાં સૌથી વધુ વરસાદ ખંભાત તાલુકામાં 7.48 ઇંચ, બોરસદ તાલુકામાં 7.24 ઇંચ, પેટલાદ તાલુકામાં 6.77 ઇંચ, આણંદ તાલુકામાં 6.10 ઇંચ, સોજિત્રા તાલુકામાં 5.39 ઇંચ, તારાપુર તાલુકામાં 4.65 ઇંચ જ્યારે ઉમરેઠ તાલુકામાં 2.20 ઇંચ અને આંકલાવ તાલુકામાં સૌથી ઓછો 1.85 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગની આગાહીને પગલે અનાધાર વરસાદથી જિલ્લામાં 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જ્યારે આણંદ ડીએસપી નિવાસસ્થાન પાસે પાણીમાં રમતા 4 બાળકો બાજુના ગરનાળામાં તણાતા 9 વર્ષિય બાળકી પ્રિતીબેન સોલંકીનું મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય 3 બાળકોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દિવસભરના ભારે વરસાદના કારણે આણંદ શહેરના બોરસદ ચોકડી સ્થિત જિલ્લા સેવાસદન, ડીએસપી અને ડીવાયએસપી નિવાસસ્થાન, નવુ બસમથક, ગામડીવડ, 100 ફુટ રોડ, લોટીયાભાગોળ, આણંદ-વીવીનગર રોડ, રૂદ્રાક્ષ કોર્નર, બાકરોલ ગેટ ઉપરાંત પેટલાદ તાલુકા સેવાસદન, સોજિત્રા, ખંભાત, તારાપુર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇજતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જિલ્લામાં ઉમરેઠ અને આંકલાવ તાલુકામાં 2.20 ઇંચ અને 1.85 ઇંચ અન્ય તાલુકા ની સરખામણીમાં ઓછો વરસાદ વરસ્યો છે. જ્યારે જિલ્લાના 8 તાલુકાઓ પૈકી 5 તાલુકાઓમાં સરેરાશ 4 ઇંચથી 7.48 ઇંચ સુધી વરસાદ ખાબકતા પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો