તારાપુર તાલુકાના વાળંદાપુરા ગામમાં મોબાઈલ નેટવર્કની કથિત કથળેલી સ્થિતિને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 3 હજારની વસ્તી ધરાવતા ગામમાં અંદાજે 5 હજાર મોબાઈલ ફોન હોવા છતાં પૂરતું નેટવર્ક મળતું નથી પરિણામે સામાન્ય ફોન પર વાત કરવા માટે પણ ગામની બહાર સીમાડા કે હાઈવે તરફ જવાની નોબત આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. આજના સમયમાં મોબાઈલ ફોન જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. પરિવારજનો સાથે વાતચીતથી લઈને બેંકિંગ, ડીજીટલ પેમેન્ટ, ઓનલાઈન શિક્ષણ અને સરકારી સેવાઓ સુધી અનેક કામ મોબાઈલ પર નિર્ભર છે. પરંતુ વાળંદાપુરાના ગ્રામજનોના જણાવ્યા મુજબ અહીં ફોન હોવા છતાં નેટવર્કની અનિશ્ચિતતાને કારણે સામાન્ય કોલ કરવામાં પણ મુશ્કેલી પડે છે. ફોન આવે ત્યારે વાત ક્યાંથી કરવી તે શોધવું પડે છે. ક્યારેક ગામના સીમાડા સુધી જવું પડે છે તો ક્યારેક હાઈવે તરફ જવાનો વારો આવે છે. ખાસ કરીને વડીલો, મહિલાઓ અને તાત્કાલિક સંદેશો પહોંચાડવાની જરૂરિયાત ધરાવતા લોકો માટે આ સ્થિતિ મુશ્કેલીજનક બની રહી હોવાની ગ્રામજનોની રજૂઆત છે.

નેટવર્કની સમસ્યાને લઈને ગ્રામજનો કટાક્ષ કરતાં કહે છે કે મોબાઈલ તો હાથમાં છે, રિચાર્જ પણ કરાવ્યું છે, પરંતુ વાત કરવા માટે નેવટર્ક શોધવા ગામની બહાર જવું પડે છે. મોબાઈલમાં રિચાર્જ કરાવ્યા બાદ પણ જો જરૂરી સમયે ફોન ન લાગે તો તેનો ઉપયોગ શું એવો સવાલ પણ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. નેટવર્કની સમસ્યાથી કંટાળેલા કેટલાક લોકોએ રિચાર્જ કરાવવાનું પણ બંધ કર્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.