હૃદયના સ્વાસ્થ્ય અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા અને નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાના હેતુથી શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ સંચાલિત ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટર દ્વારા 10મી ક્કહેલ્ધી હાર્ટ વૉકેથોન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્ડિયાક સેન્ટરના 18 મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રવિવારે યોજાયેલી આ 4 કિલોમીટરની વૉકેથોનમાં 2,500થી વધુ નાગરિકો, તબીબો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ જોડાણ કરી હૃદયની સુરક્ષાનો સંદેશ આપ્યો હતો. વલ્લભવિદ્યાનગરની નલિની આર્ટ્સ કૉલેજ ખાતેથી પ્રસ્થાન પામેલી આ વૉકેથોનનું આણંદ ટાઉન હૉલ ખાતે સમાપન થયું હતું. આ પ્રસંગે ચરોતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી જાગૃત ભટ્ટ, સેક્રેટરી અમિત પટેલ, મંડળના સભ્ય રાધાસરણભાઈ, કાર્ડિયાક સેન્ટરના વડા ડૉ. સુનિલ કર્ણા, કાર્ડિયોથોરેસિક એન્ડ વાસ્ક્યુલર સર્જરી વિભાગના વડા ડૉ. મનીષ તિવારી તેમજ હૃદયરોગ નિષ્ણાત ડૉ. કુશલ પુજારાએ લીલી ઝંડી દર્શાવી વૉકેથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાઈકાકા યુનિવર્સિટીનાં રજિસ્ટ્રાર ડૉ. જ્યોતિ તિવારી, શ્રીકૃષ્ણ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જીતેશ દેસાઈ સહિત મંડળના બોર્ડના સભ્યો, તબીબો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વૉકેથોનની વિશેષતા એ રહી કે તેમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB),અમૂલ, ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, ચરોતર ગેસ સહકારી મંડળી, અનુપમ મિશન, વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, રોટરી ક્લબ તથા ઇનર વ્હીલ ક્લબ જેવી જાણીતી સંસ્થાઓના સભ્યોએ સક્રિય ભાગ લીધો હતો. આ ઉપરાંત, અંધજન મંડળના 5 સભ્યોએ પણ ઉત્સાહભેર જોડાયા હતા, જેણે સમાજમાં સમાવેશી ભાગીદારીનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્ડિયાક સેન્ટરના નિષ્ણાત તબીબો દ્વારા ઉપસ્થિત લોકોને હૃદયના સ્વાસ્થ્ય અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્ડિયાક સેન્ટરના 18 મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે હોસ્પિટલ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આજે તા. 12મી ઑક્ટોબરથી આગામી તા. 11મી નવેમ્બર સુધી રાહતદરે વિશેષ હૃદયરોગ તપાસ પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેથી રોગની વહેલી ઓળખ અને સમયસર સારવાર થઈ શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો