આણંદ મહાનગરપાલિકાની રચના અને તારાપુર ગ્રામપંચાયતના નગરપાલિકા તરીકેનો દરજ્જો મળ્યા બાદ જીલ્લાની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના રાજકીય માપદંડોમાં મોટો ફેરફાર સર્જાયો છે.
જેમાં આણંદ જીલ્લા પંચાયતની બેઠકો 42થી ઘટીને 40 થવા પામી છે. આણંદ જીલ્લા પંચાયત આણંદ તાલુકા પંચાયત અને તારાપુર તાલુકા પંચાયતના બેઠકોના નવા સીમાંકનનું કાર્ય અંતિમ ચરણમાં છે અને ટૂંક સમયમાં તેનું જાહેરનામુ બહાર પડશે. સાથે જ એપ્રિલ-2025 દરમિયાન ચૂંટણી થવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે.
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં લાંભવેલ, જીટોડીયા, મોગરી અને ગામડી ગામો સામેલ થતાં આણંદ જીલ્લા પંચાયતની કુલ બેઠકો 42માંથી ઘટીને 40 રહી ગઈ છે. લાંભવેલ અને ગામડી ક્ષેત્રની સીટો રદ્દ થવાથી તાજેતરમાં સીમાંકનમાં સંપૂર્ણ નવી રાજકીય તાસીર જોવા મળી છે. તેની સાથે તારાપુર નગરપાલિકા બનતાં જીલ્લા પંચાયતની તારાપુર સીટનું મોરજ સીટ રૂપે પુનઃઆયોજન કરવામાં આવ્યું છે. નવા સીમાંકન મુજબ જીલ્લા પંચાયતની 40 બેઠકોમાંથી 20 પુરૂષો તથા 20 સ્ત્રીઓ માટે અનામત છે. પુરૂષ કેટેગરીમાં 2 એસસી, 1 એસટી અને 11 ઓબીસી બેઠકો રાખવામાં આવી છે. જ્યારે 6 બેઠકો સામાન્ય છે. સ્ત્રીઓ માટેની અનામતમાં 1 એસસી, 6 ઓબીસી તથા 13 સામાન્ય બેઠકો નક્કી થયેલી છે. કઈ બેઠક કયા વર્ગને અનામત મળશે તે અંગે રાજકીય પક્ષોમાં ભારે આતુરતા જોવા મળે છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યાનુસાર આ ત્રણ મુખ્ય સંસ્થાઓ જેવી કે આણંદ જીલ્લા પંચાયત, આણંદ તાલુકા પંચાયત અને તારાપુર તાલુકા પંચાયતની બેઠકો વાઈઝ સીમાંકનનો ડ્રાફ્ટ તૈયાર છે. જે ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. આ સાથે જ અનેક બેઠકોમાં નવા ગામો ઉમેરાશે કે નહીં તે મુદ્દે રાજકીય પક્ષો અને કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. આણંદ તાલુકાની 9 બેઠકો સૌથી વધારે હોવાથી આ ક્ષેત્રનો રાજકીય દોર ખાસ બદલાશે તેવું માનવામાં આવે છે. મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 4 ગામો બહાર થતાં કેટલાક વિસ્તારોમાં નવા ગામોના સમાવેશની શક્યતા પણ વ્યક્ત થાય છે.