આણંદ સ્થિત એનડીડીબી ખાતે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહે ડેરી સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ચાર નવી પહેલને લોન્ચ કરી હતી. તેમાં 300 લિટરની IOT આધારિત મોબાઇલ મિલ્ક કલેક્શન એન્ડ કૂલિંગ સિસ્ટમ અને દૂધમાં ભેળસેળની સરળતાથી તપાસ કરી શકતી ડિટેક્શન કિટ મુખ્ય આકર્ષણ બન્યા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ એકત્રીકરણની પ્રક્રિયાને વધુ સરળ અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે તૈયાર કરાયેલી મોબાઇલ સિસ્ટમ લિથિયમ-આયન બેટરીથી સંચાલિત છે અને તેમાં 300 લિટર દૂધ સંગ્રહ તથા ઠંડુ કરવાની ક્ષમતા છે. આ સિસ્ટમ દ્વારા ગામડાંમાં જ દૂધનું સીધું કલેક્શન કરી શકાશે. એટલું જ નહીં, દૂધનું વજન કરવા, ગુણવત્તા ચકાસવા અને સ્થળ પર જ રસીદ જનરેટ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. IOT મોનિટરિંગની સુવિધા હોવાથી દૂધ સંગ્રહ અને કૂલિંગની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરાયો છે. બીજી તરફ્ એનડીડીબી દ્વારા વિકસાવવામાં આવેલી મિલ્ક એડલ્ટરેશન ડિટેક્શન કિટ દૂધમાં ભેળસેળની તપાસને સરળ અને ઓછા ખર્ચે શક્ય બનાવશે. આ કિટનું ઉત્પાદન એનડીડીબીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એનડીડીબી કાફ્ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે મોબાઇલ મિલ્ક કલેક્શન સિસ્ટમ એનડીડીબી દ્વારા ડિઝાઇન કરાઈ છે અને તેનું ઉત્પાદન પેટાકંપની આઈડીએમસી લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મધર ડેરીના 10 ગ્રામ બટર ચિપલેટ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. એનડીડીબીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મધર ડેરી દ્વારા રજૂ કરાયેલા આ ચિપલેટ્સથી બટર કેટેગરીમાં તેની હાજરી વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ છે. સાથે જ એનડીડીબી ખાતે અમલમાં મૂકવામાં આવી રહેલી દર્પણ ઇન્ટીગ્રેટેડ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પણ રજૂ કરવામાં આવી હતી, જે સંસ્થાકીય દસ્તાવેજ વ્યવસ્થાપનને વધુ આધુનિક અને વ્યવસ્થિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ છે. આ પ્રસંગે એનડીડીબીના ચેરમેન ડૉ. મીનેશ શાહે જણાવ્યું હતું કે ભારતના ડેરી સહકારી આંદોલન સાથે આણંદનો વારસો અભિન્ન રીતે જોડાયેલો છે. રાજ્યો અને દૂધ મંડળીઓના સહયોગથી શ્વેત ક્રાંતિ 2.0 અંતર્ગત નવી ડેરી સહકારી મંડળીઓની સ્થાપના તથા હાલની મંડળીઓને વધુ મજબૂત બનાવવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ પ્રસંગે ડીએએચડીના સચિવ નરેશ પાલ ગંગવાર, અધિક સચિવ વર્ષા જોશી સહિતના અધિકારીઓ તેમજ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
