ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે સંભવિત જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા આણંદની ઉમરેઠ નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પૂરની સ્થિતિ ન સર્જાય અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે આગોતરી પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ઉમરેઠના બેચરી ફાટક નજીકથી પસાર થતી મુખ્ય વરસાદી કાંસ (ગટર) પર વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને હટાવવાની કડક કામગીરી શરૂ કરવામાં આવી છે.
જેસીબી મશીનથી કાંસની સફાઈ અને દબાણદારોમાં ફફડાટ
પાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીનો કામે લગાડીને કાંસની આસપાસના ગેરકાયદે ઓટલા, ઝૂંપડા અને અન્ય દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા. દબાણો દૂર કર્યા બાદ કાંસમાં જામેલો કચરો, પ્લાસ્ટિક અને કાંપ બહાર કાઢીને ઊંડી સફાઈ કરવામાં આવી હતી, જેથી વરસાદ દરમિયાન પાણીનો પ્રવાહ અવરોધાય નહીં. તંત્રની આ અચાનક અને કડક એક્શનને પગલે સ્થાનિક દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ હતી.













