આણંદ તાલુકાના કુંજરાવની કુમાર શાળામાં ધોરણ-બેમાં અભ્યાસ કરતો 9 વર્ષિય આકાશ અને તેના મોટાભાઇ પ્રકાશ સાથે 28 ઓગષ્ટના રોજ તરસાડ-તલાવડી રોડ પરથી ચાલીને ઘરે જઇ રહ્યા હતા. દરમિયાન અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા આકાશને માથામાં ગંભીર ઇજાઓ થતા તે બેભાન થઇ ગયો હતો. તેને તત્કાલિન 108 એમ્બ્યુલન્સમાં સારસા સીએચસી સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંતી વધુ સારવાર અર્થે કરમસદની મેડિકલ હોસ્પિટલમાં પીડીયાટ્રીક ઇન્ટેસીવીસ્ટ ડૉ.અમીત શાહના વડપણ હેઠળ સારવાર શરૂ કરાઇ હતી. ઇજાગ્રસ્ત આકાશના સીટીસ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. 2 સપ્ટેમ્બરના રોજ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.જીતેન્દ્ર દેસાઇ, ડૉ.ભવદિપ મુંગલા, ડૉ.મીરાંત દોશી, ડૉ.અમીત શાહએ આકાશને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. ડૉ.શાહે ડોનેટ લાઇફની આણંદ ટીમના નિખિલ શાસ્ત્રી અને સુનિલ શાહનો સંપર્ક કરી આકાશના બ્રેઇનડેડ અંગે જાણ કરી હતી. બાદ ડોનેટ લાઇફના ટ્રષ્ટી પ્રકાશ પટેલ સહિતના સભ્યોએ કરમસદ મેડિકલ સ્સ્પિટલ ખાતે પહોંચી ડૉ.જીતેશ દેસાઇ સાથે રહીને આકાશના દાદા વાઘજીભાઇ, દાદી શારદાબેન, ફુવા દેવેન્દ્રભાઇ, ચિમનભાઇ તેમજ પરિવારના સભ્યો સાથે અંગદાનના મહત્વ અંગે ચર્ચા કરી હતી. બન્ને કિડની અને લીવર અમદાવાદની આઇકેડીઆરસીને ફાળવવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલ બે કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાત દર્દીઓમાં અમદાવાદની આઇકેડીઆરસીમાં કરવામાં આવશે. જ્યારે ચક્ષુઓનું દાન કરમસદ મેડિકલે સ્વિકાર્યુ છે. કિડની અને લીવર સમયસર અમદાવાદ પહોંચાડવા કરમસદ મેડિકલથી અમદાવાદ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર આણંદ શહેર પોલીસ તેમજ માર્ગમાં આવતા તમામ પોલીસના જવાનોએ સહકાર પુરો પાડયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો