આણંદ શહેરની ટૂંકી ગલી અને તેની આસપાસના વિસ્તારમાં બેસુમાર દબાણો ખડકાતા શહેરનો આ હાર્દ સમો વિસ્તાર દબાણોના પ્રશ્નો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થયા અને સવા બે માસ વીતી જવા છતાં તેમજ મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેનની વરણી થઈ જવા છતાં હજુ પણ મનપાના નવનિયુક્ત તંત્રને દબાણો હટાવવાની ફુરસદ મળતી નથી. અગાઉ મ્યુનિસિપલ કમિશ્નરના કાર્યકાળમાં ટૂંકી ગલી સહિત આસપાસના કેટલાક વિસ્તારોમાંથી સઘન ઝંબેશ ચલાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ચૂંટાયેલી પાંખ આવ્યા પછી જાણે વોટ બેંકની લાલચમાં લારી-પાથરણાંવાળાઓને છૂટો દોર મળી ગયો હોય તેમ દબાણોનો અજગરભરડો ફરી વધ્યો છે. જેના કારણે રસ્તાઓ અત્યંત સાંકડા થવાથી ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાવાની સાથેસાથે રાહદારીઓને ત્યાંથી પસાર થવામાંભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્રણ દાયકા જૂની દબાણોની આ જટીલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં સ્થાનિક વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. અગાઉ પોલીસ બંદોબસ્ત સાથે કરાયેલી કેટલીક કામગીરી પોલીસ હટતાં જ ફરી જૈસે થે સ્થિતિમાં આવી ગઈ છે. જેના કારણે પાલિકાની સમગ્ર કાર્યવાહી માત્ર એક કાગળ પરની ઔપચારિકતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. બજારના મુખ્ય માર્ગો રોકીને ઉભા રહેતા લારી ગલ્લા તથા પાથરણાવાળા વગેરે જેવા દબાણકારોના કારણે હવે સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તે છે. સ્થાનિક સ્તરે એવા ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પાછળ મનપા અને પોલીસના કેટલાક જવાબદાર કર્મચારીઓ તેમજ વચેટીયાઓની મિલીભગત સક્રિય છે. જેમના આશીર્વાદથી જ ટૂંકી ગલીનું બજાર ફરી ધમધમતુંથયું છે. તંત્ર દ્વારા માત્ર થોડા દિવસો પૂરતી દેખાડાની કામગીરી કરવાને બદલે આ હાર્દસમા વિસ્તારને કાયમી ધોરણે દબાણમુક્ત કરવામાં આવે અને નાગરિકોને ટ્રાફિક તથા સંભવીત અકસ્માતોના ભયમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો