ઉમરેઠના સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ શનિવારના રોજ બ્રહ્મલીન થયા હતા અને દેવલોક ગમન પામ્યા હતા. ત્યારે રવિવારે સવારે 7.30 કલાકે સંતરામ મંદિરથી તેમની પાલખી યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. આ પાલખી યાત્રા સંતરામ મંદિરથી શરૂ થઈ વહોરાઈ ચોકલા, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી અને પરત સંતરામ મંદિરના નિજ મંદિરે પહોંચી હતી. યાત્રા દરમિયાન વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજનો બોલાવવામાં આવી હતી, અને ભક્તોએ મહંતને ભાવભીની શ્રાદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ મહંત થોડા સમયથી બીમાર ચાલી રહ્યા હતા અને શનિવાર સવારે તેઓ બ્રહ્મલીન થયાના વાવડ ઉમરેઠ નગરની સાથે આસપાસના લોકોને મળ્યા હતા. ત્યાર બાદ લોકો અંતિમ દર્શન માટે સંતરામ મંદિર ખાતે ભેગા થવા લાગ્યા હતા પરિણામે મોટી સંખ્યામાં લોકોએ મહંત ગણેશદાસજીના દર્શન કર્યા હતા. રવિવારે સવારથી જ પાલખી યાત્રા નગરમાં ફેરવવામાં આવી હતી જે ઉમરેઠ નગરના મુખ્ય વિસ્તારોમાંથી આગળ વધી હતી જેમ જેમ પાલખી યાત્રા આગળ વધતી ગઈ તેમ તેમ લોકો જોડાતા ગયા અને મોટી સંખ્યામાં પાલખી યાત્રાની પાછળ લોકોની ભારે ભીડ જામી હતી.
