આણંદના પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વડોદરા જીલ્લાના ડભોઈ તાલુકાના તનેતલાવ ખાતે છાપો મારીને પોક્સોના કેસમાં દશ વર્ષની સજા પામીને પેરોલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી પાડીને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.
મળતી માહિતી મુજબ સોજીત્રા તાલુકાના મલાતજ ગામની બગીવાડીની બાજુમાં રહેતો ભરત ઉર્ફે ભરતકુમાર શાંતિલાલ ઉર્ફે રાજુભાઈ સોલંકીને મહેળાવ પોલીસ મથકે દાખલ થયેલા એક પોક્સોના કેસમાં આણંદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે તકશીરવાર ઠેરવીને દશ વર્ષની કેદની સજા ફટકારી હતી. જેથી તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યાંથી તે 8-3-25ના રોજ વચગાળાના જામીન પર છૂટયો હતો અને રજા પુરી થયા બાદ તે જેલમાં હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પેરોલ ફર્લો સ્ક્વોર્ડને માહિતી મળી હતી કે, ભરત ઉર્ફે ભરતકુમાર સોલંકી ડભોઈ તાલુકાના તનેતલાવ ખાતે રહે છે. જેના આધારે પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.










