ચરોતરના આણંદ જિલ્લામાં મોજશોખ માટે કે વ્યસનનો શોખ પૂરો કરવા માટે અનેકગણો ખર્ચ કરતા પણ લોકો અચકાતા નથી. જેમાં વિદેશી દારૂના સ્વાદશોખીનો ખર્ચમાં અગ્રીમ હરોળમાં ગણાય છે. જિલ્લામાં આવેલ પાંચ જેટલી લીકર શોપમાંથી છ માસની અંદર જ અંદાજી બે લાખ લિટર જેટલો વિદેશી પરમિટ ધારકો અને એનઆરઆઈ ગટગટાવી ગયાનો આંકડો પ્રાપ્ત થયો છે. જેની સામે સરકારને આ લીકર શોપોમાંથી વર્ષે અંદાજે દોઢ કરોડથી વધુની ટેકસરૂપે આવક પ્રાપ્ત થઈ છે.
મીની એનઆરઆઈ તરીકે ઓળખાતા આણંદ જિલ્લામાં વિદેશની આવક, ખેતી અને ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસના કારણે શ્રીમંતોની સંખ્યા વધી રહી છે. સાથે સાથે અદ્યતન કાર, ફર્મ હાઉસ, ઘોડાનો તબેલો સહિતના શોખ પણ અનેક પરિવારો ધરાવે છે. જેમાં હેલ્થ પરમિટ બનાવીને વિદેશી દારૂની મોજ માણવાની પ્રવૃતિ પણ શોખમાં પરિણમી હોવાનું જોવા મળે છે. આણંદ જિલ્લામાં નશાબંધી વિભાગ દ્વારા હેલ્થ પરમીટ આપવામાં આવે છે. જેના માટે ડોકટરનું સર્ટિફ્કિેટ સહિત જરુરી દસ્તાવેજી કાગળોની જરુર ઉભી થાય છે. નિયમોનુસારના કાગળો ચકાસ્યા બાદ હેલ્થ પરમિટ આપવામાં આવે છે. જેઓને કેન્દ્ર સરકારના નિયમો મુજબ દર મહિને લીકરનો નકકી કરેલો કોટા ફળવાય છે. જેની જિલ્લાના લીકર સ્ટોરમાંથી પરમિટ ધારકે ખરીદી કરવાની હોય છે. આણંદ જિલ્લામાં દર વર્ષે ઓકટોબરથી ડિસેમ્બર દરમ્યાન વિદેશ વસતા ચરોતરવાસીઓ વતનની મુલાકાતે અચૂક આવતા હોય છે. આ સમય દરમ્યાન અમેરિકા, લંડન સહિતના દેશોમાં વિન્ટર એટલે કે શિયાળો જામતો હોય છે. ત્યાં બરફ્ પડે અને ઠંડી માઈનર ડીગ્રીમાં હોવાના કારણે મોટાભાગના બિનનિવાસી ભારતીયો વતન આવતા હોવાથી આણંદ જિલ્લાના ગામ,શહેરોમાં એનઆરઆઇની ચહલપહલ વધી જતી હોય છે. જિલ્લામાં 5 લીકર શોપમાં સુરભી હોટલ ખાતે રીયલ વાઇન શોપ, નિયોન્ઝ રીસોર્ટ, હોટલ એચ, હોટલ લાકાશા ઈન અને મધુભાન રિસોર્ટમાંથી હેલ્થ પરમીટ, ટુરિસ્ટ પરમીટ અને વિઝીટર પરમિટ ધારકો પોતાના નિયમોનુસારના પરમિટ મુજબ વિદેશી દારૂ ખરીદતા હોય છે. લીકર શોપમાંથી ખરીદાયેલા વિદેશી દારૂ ઉપર પરમિટ ધારકો ઉંચામાં ઉંચો ટેકસ પણ ચૂકવતા હોય છે. ઉલ્લેખનીય છે કે, લીકર શોપમાં મળતા વિદેશી બ્રાન્ડના દારૂમાં સૌથી મોંઘી શિવાસની બ્રાન્ડ છે, જેની 750 મી.લી.ની અંદાજીત 62 હજાર કિંમત છે. જયારે અન્ય બ્રાન્ડમાં બ્લુ લેબલ 30 હજાર, ગ્લેન્ડ ફ્િડિશ 15 હજાર, ઈન્દ્રી 6500, અમૃત વ્હિસ્કી 10 હજાર જયારે વોડકા 50 હજાર અને વાઈન બેથી ત્રણ લાખની કિંમત સુધીના હોય છે.
