આંકલાવ તાલુકા ગ્રામ્યમાં એક મહિલાને ધમકી આપી દુષ્કર્મ આચર્યાના ગંભીર આક્ષેપવાળા ગુનામાં આંકલાવ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. પોલીસે નવાખલ ગામ નજીકના ફાર્મમાંથી આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, નવાખલ ગામના ગેલજી ચોકડી વિસ્તારમાં રહેતા અને ગામના સરપંચ તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ ઉર્ફે દીપો ભઈલાલભાઈ સોલંકી વિરુદ્ધ આંકલાવ પોલીસ મથકે તા. 20મી સપ્ટેમ્બર 2026ના રોજ ગુનો નોંધાયો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ભોગ બનનાર મહિલાના પતિના મિત્ર હોવાથી તેમના ઘરે અવારનવાર આવતો-જતો હતો અને મહિલાને મદદ કરવાની વાતો કરી તેની સાથે સંપર્કમાં રહેતો હતો. ફરિયાદ મુજબ, તા. 19મી ઓગસ્ટની રાત્રે આરોપીએ મહિલાને તેના પતિ અંગે વાત કરવાની હોવાનું કહી ખેતરમાં બોલાવી હતી. ત્યાં મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તા. 3 સપ્ટેમ્બરના રોજ આસોદર ચોકડી પાસે પણ આરોપીએ મહિલાને ધમકી આપી હોટલમાં લઈ જઈ ફરીથી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં છે. મહિલાને આરોપી સાથે વાતચીત કરવા તથા મળવા માટે પણ દબાણ કરતો હતો. દરમિયાન તા. 19મી સપ્ટેમ્બરની રાત્રે મહિલા પોતાના ઘરની બહાર કામ કરી રહી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો અને ફરીથી તેની સાથે શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. મહિલાએ બૂમાબૂમ કરતાં તેના સાસુ-સસરા તથા પતિ આવી પહોંચ્યા હતા. પરિવારજનોને આવતા જોઈ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.આ બનાવ અંગે મહિલાએ આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતા જ આંકલાવ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે આરોપીના ઘરે તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી નવાખલ ગામ નજીક આવેલા ફાર્મમાંથી મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
