ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ગત તારીખ 23મી એપ્રિલ ના રોજ યોજાયું હતું જેની મતગણતરી આજે હાથ ધરાનાર છે, ત્યારે પટારામાંથી શું નિકળે છે ? તેના પર સૌની મીટ મંડાયેલી રહેશે તે નક્કી છે. ઉમરેઠના પેટા ચૂંટણીના મતદાનના ત્રણ દિવસ બાદ જ સ્થાનિક ચૂંટણીઓનું મતદાન હોવાને કારણે ઉમરેઠ વિધાનસભાનું મતદાન ઊંચુ થશે તેવી આશા બંધાઈ હતી જો કે ધારવા કરતાં ખૂબ ઓછું મતદાન થયું અને મતદાનનો આંકડો 59.04 ટકા પર જ અટકી ગયો હતો. આ આંકડામાં ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વના ગણાતા વિસ્તારોમાં બંને બાજુ ઓછું મતદાન નોંધાયું હતું જેને લઈ ઉમેદવારોમાં મૂંઝવણ વધી હતી. જો કે આજે ઉંટ કઈ બાજુ બેસે છે તે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.હાલ તો બંને પક્ષે એટલે કે ભાજપના પક્ષે હર્ષદ પરમાર અને કોંગ્રેસ પક્ષે ભૃગુરાજસિંહ ચૌહાણના સમર્થકો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે ત્યારે હવે કોના મસ્તક પર જનતા તિલક કરશે તે આજે ખબર પડી જશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આજે યોજાનાર છે જે સવારે 8 કલાકે બી જે વી એમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે શરૂ કરવામાં આવશે. આ ચૂંટણીની મતગણતરી પોસ્ટલ બેલેટની મત ગણતરીથી શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ વિધાનસભાના 306 મતદાન મથકો ખાતે ઇવીએમમાં થયેલ મતદાનની મતગણતરી 14 ટેબલો ઉપર કરવામાં આવશે અને 22 રાઉન્ડના અંતે મત ગણતરી પૂર્ણ થશે અને વિજેતા ઉમેદવારનું નામ સ્પષ્ટ થઈ જશે.આ પહેલાં જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થશે તેમ તેમ કઈ પાર્ટી પોતાની પક્કડ બનાવી રહી છે ને કોણ પક્કડ ગુમાવી રહ્યું છે? તે ધીરે ધીરે સ્પષ્ટ થતું જશે. પરિણામનો દિવસ હોવાને કારણે બંને ઉમેદવારોના સમર્થકો પણ ભારે સંખ્યામાં કોલેજ ખાતે ઉપસ્થિત રહેશે જેને લઈ તંત્ર ધ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તો સાથે સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ બંદોબસ્ત પણ પૂરતો કરી દેવામાં આવ્યો છે.
