આણંદ : આણંદ-ખેડા જિલ્લામાં આજે સવારથી જ વરસાદનું જોર ઘટતાં અને વિરામ જેવો માહોલ સર્જાતાં ખેડૂતો, સામાન્ય નાગરિકો અને જિલ્લા તંત્રએ રાહત અનુભવી છે. અગાઉ પડેલા ભારે વરસાદથી ઠેર-ઠેર ભરાયેલા પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે, જેના કારણે પ્રભાવિત જનજીવન ફરી એકવાર ધીમી ગતિએ પૂર્વવત બની રહ્યું છે.
જિલ્લા કન્ટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધીના 10 કલાકમાં જિલ્લામાં દૈનિક સરેરાશ માત્ર 12.13 એમએમ (અંદાજે 0.5 ઇંચ) વરસાદ નોંધાયો છે. દિવસ દરમિયાન વરસાદની પેટર્ન જોઈએ તો, સવારે 6 થી 10 વાગ્યા સુધીના પ્રથમ ચાર કલાકમાં વરસાદનું જોર ઘટયું હતું.
