આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના અસરગ્રસ્ત 58 હજાર અરજીઓ સામે 36858 ખેડૂતોને 64.85 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લાના આણંદ, ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, સોજીત્રા, ખંભાત, તારાપુર તાલુકાના ખેડૂતોના ખરીફ પાકને દિવાળી બાદ માવઠાને લઇને વ્યાપક નુંકસાન થયું હતું.
જેમાં ખાસ કરીને ડાંગરની કાપણી સમયે વરસાદ વરસતા ખેતરોમાં ડાંગર પલળી ગઇ હતી. ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ગામોમાં ગ્રામ સેવકો દ્વારા પાક નુકશાનીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તબક્કામાં 82 હજાર હેક્ટર વિસ્તારમાં નુકશાન થયું હોવાનું ફલીત થયું હતુ. ખેડૂતોના વ્યાપક નુકશાનને લઇને રાજ્ય સરકારે કૃષી સહાય પેકેજ જાહેર કર્યુ હતુ. જેમાં 22 હજાર રૂપિયા બે હેક્ટર દીઠ નુકશાની ચૂકવવાનું નક્કી કરાયુ હતું. ત્યારે 14 નવેમ્બરથી ખેડૂતો પાસેથી સહાય મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 5 ડિસેમ્બર સુધી તંત્રને 72 હજાર ખેડૂતોએ પાક સહાય મેળવવા માટે અરજી કરી હતી. તે પૈકી દરેક અરજીઓની ગ્રામસેવક દ્વારા ચકાસણી કર્યા બાદ તબક્કાવાર મંજુર કરાયેલી અરજીના ખેડૂતોને સહાયની રકમ ઓનલાઇન તેઓના ખાતામાં ચૂંકવણી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 58 હજાર અરજીઓ સામે 36858 ખેડૂતોને 64.85 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યુ છે. જ્યારે બાકી રહેલી અરજીઓની ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી હોય તબક્કાવાર સમાયંતરે ધરતીપુત્રોને સહાયની રકમ ચૂકવવામાં આવનાર હોવાનું જણાવવ્યુ છે. જો કે નામંજુર કરાયેલી અરજીઓ મુદ્દે અધિકારી દ્વારા ચોક્કસ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. માત્ર પ્રક્રિયા ચાલુ હોવાનું રટણ કરી રહ્યા છે. સૌથી વધુ ડોગરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને વધુમાં વધુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કારણ કે કાપણી સમયે જ કમોસમી વરસાદે તૈયાર પાકનો દાટ વાળી દેતા ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે.










