આણંદના સાંસદ મિતેશ પટેલ (બકાભાઈ)ની અસરકારક રજૂઆતના પગલે વિકાસના પંચોત્સવ સમાન પાંચ કામોને મંજૂરી મળી છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી સમક્ષ સાંસદે કરેલી રજૂઆતના પગલે વાસદ મહીસાગર નદી પર સુરક્ષા જાળી મૂકવા, વાસદ ફ્લાય ઓવર સર્વિસ રોડની પહોળાઈ વધારવી, ને.હા. પરના ગોપાલપુરા ગામ પાસે સર્વિસ રોડ બનાવવો, દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વે પર આણંદથી સીધો પ્રવેશ તથા દાંડી માર્ગને પહોળો કરવાના કામોનો સમાવેશ થાય છે.


વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદી પર આત્મવિલોપનની વધતી ઘટનાઓથી ચિંતિત સાંસદના પ્રયાસો બાદ નદી પર સુરક્ષા જાળી લગાવવાનો નિર્ણય કરાયો છે. જે અનેક અમૂલ્ય જીવ બચાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બનશે. ગંભીરા બ્રિજના તૂટવાથી સર્જાયેલી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે વાસદ ફ્લાયઓવરના સર્વિસ રોડને પહોળો કરવાના કામને મંજૂરીની મ્હોર મારવામાં આવી છે. જેથી રોજના હજારો મુસાફરોને ટ્રાફિકમાં અટવાવું ના પડે અને રાહત થાય. ને.હા. પરના ગોપાલપુરા ગામ પાસે સર્વિસ રોડ ન હોવાથી અકસ્માતોને ધ્યાનમાં રાખી બંને બાજુ સર્વિસ રોડનું નિર્માણ કરવામાં આવશે. જેથી નાગરિકોની સુરક્ષામાં વધારો થાય. જ્યારે દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વે પર આણંદથી સીધો પ્રવેશ કરી શકાતો નહોતો. આથી મુસાફરોને વાહનોમાં સમય અને ઈંધણનો બોજ પડતો હતો. આથી સાંસદની રજૂઆતના પગલે આણંદ માટે નવો ડી.પી.આર. તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડી યાત્રા સાથે જોડાયેલા માર્ગને પહોળો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રવાસન અને ઐતિહાસિક વારસાના સંરક્ષણમાં ફાયદારૂપ સાબિત થશે. સાંસદ મિતેશે પટેલે ઉપરોક્ત પાંચ કામોને મળેલી મંજૂરીની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ તમામ પ્રોજેક્ટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા વિકાસના મંત્રને સાકાર કરવાની દિશામાં નિર્ણાયક સાબિત થશે. આ પાંચેય વિકાસ કાર્યો આવતા સમયમાં આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન તરીકે બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: