સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે નાવલી-દહેમી રોડ ઉપર આવેલી એક તમાકુની ખરીમાં છાપો મારીને વિદેશી દારૂના કટીંગને ઝડપી પાડયું હતું.


પોલીસે 350 પેટી વિદેશી દારૂ, કન્ટેનર, બે ફોર વ્હીલર, છોટા હાથી, બે એક્ટીવા સહિત રૂપિયા કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને સાત શખ્સોને ઝડપી પાડીને આ અંગે આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ એસએમસીને માહિતી મળી હતી કે, હાડગુડનો કુખ્યાત વિદેશી દારૂનો બુટલેગર અને તડીપાર કરાયેલો બહાદુરસિંહ રાઠોડ ફરી એકવાર આણંદ પંથકમાં સક્રિય થયો છે અને એક કન્ટેનરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવીને તેને નાવલી-દહેમી રોડ ઉપર આવેલા મુન્નાભાઈ પટેલની તમાકુની ખરીમાં કટીંગ કરી રહ્યો છે. જેના આધારે પોલીસે છાપો મારતાં સ્થળ પરથી એક કન્ટેનરમાં પ્લાસ્ટીકના રોલની આડમાં લવાયેલી વિદેશી દારૂની પેટીઓ, ફોર વ્હીલર, છોટા હાથી જેવા વાહનોમાં મુકતા કુલ સાતેક જેટલા શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. જોકે બહાદુરસિંહ રાઠોડ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે વાહનોમાં તપાસ કરતાં અંદરથી અંદાજે 350 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહનો સાથે કુલ એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. નાવલી-દહેમી રોડ ઉપરથી વિદેશી દારૂનું મોટું કટીંગ પકડાતાં જ પોલીસ બેડામાં પણ હલચલ મચી જવા પામી છે. આણંદ રૂરલ પોલીસે બહાદુરસિંહ રાઠોડની વિદેશી દારૂની વધતી હેરાફેરી, સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિને લઈને તેના વિરૂદ્ધ તડીપારની દરખાસ્ત કરીને એસડીએમને મોકલી આપવામાં આવી હતી અને એસડીએમે તેને આણંદ, ખેડા સહિત પાંચ જીલ્લામાંથી તડીપાર કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: