ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે ચાલી રહેલી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાસદ-બગોદરા હાઈવે પરથી સિમેન્ટની થેલીઓની આડમાં લઈ જવાનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 10,080 બોટલો કબજે કરી બે આરોપીની ધરપકડ કરી છે. આણંદ એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એએસઆઈ મહિપાલસિંહ જગદીશસિંહને બાતમી મળી હતી કે, સફેદ રંગનો ટ્રક નં. જીજે-05-યુયુ-5514 વાસદ તરફથી બગોદરા તરફ જઈ રહ્યો છે અને તેમાં સિમેન્ટની થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થે સંતાડવામાં આવ્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે વાસદ-બગોદરા હાઈવે પર કંથારીયા બ્રિજના તારાપુર તરફના છેડા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો ટ્રક આવતાં તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકમાં સિમેન્ટની થેલીઓ ભરેલી હોવાનું જણાવ્યું હતું. જોકે વધુ તપાસ કરતાં ટ્રકની ડાબી બાજુના બોડીના ભાગે લોખંડની એંગલ લગાવી ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ સંતાડવામાં આવી હતી. પોલીસ ગણતરી કરતાં કુલ 10,080 બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી સમગ્ર જથ્થો કબજે કર્યો હતો.
