આણંદ શહેરમાં મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આણંદ-વિદ્યાનગર માર્ગ ઉપર આવેલ સુખડીયા સ્વીટ, સિલ્વર ડ્રેગન ચાઇનીઝ ,ડન્ગીડમ્સ અને બેકરીમાં સ્વચ્છતાનો અભાવ, હાઇજેનિક સહિતના માપદંડો અને તપાસમાં એક્સપાયર્ડ ડેટ વગરની કેક, હેલ્થ સર્ટિફિકેટનો અભાવ સહિતના નિયમભંગ બદલ 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને ખાદ્ય એકમોમાં સ્વચ્છતાના ધોરણો અને ફુડ સેફ્ટીના નિયમોનું પાલન સહિતના મુદ્દે જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણીતા એકમોમાં ગંબીર બેદરકારી સામે આવતા મનપાના આરોગ્યતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બેકરીમાં રાખવામાં આવેલી કેક પર મેન્યુફેક્ચરીંગ તારીખ દર્શાવવામાં આવી ન હોવાનું માલુમ પડયુ હતું. જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત ખાદ્યપદાર્થો બનાવતા અને પીરસતા કર્મચારીઓ પાસે કાયદેસરના હેલ્થ સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ ન હતા. તદ્ઉપરાંત તપાસણી દરમિયાન સ્થળ પર ગંભીર અસ્વચ્છતા અને સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ થતો જણાઇ આવતા ટીમ દ્વારા તત્કાલિન અસરથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સુખડીયા સ્વીટ એન્ડ ફરસાણ ખંભાતવાળાને સૌથી વધુ 25 હજારનો દંડ, સિલ્વર ડ્રેગન ચાઇનીઝ અને કભીબી બેકરી બન્ને એકમોને 10-10 હજારનો દંડ તેમજ ડન્ગીડમ્સ નામના એકમ પાસેથી નિયમોના ઉલંઘન બદલ 5 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે.
