કિંખલોડ પાસે વિદ્યાર્થીઓએ બસ રોકો આંદોલન કરી ભારે હોબાળો મચાવ્યો હતો. ભાદરણ સ્કુલના વિદ્યાર્થીઓથી બસ ખીચોખીચ ભરાઈને આવતી હોવાના કારણે કિંખલોડ તથા આસપાસના ગામોમાંથી આણંદ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને બસમાં બેસવા માટે ભારે મુશ્કેલી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ કિંખલોડ પાસેથી આણંદ જવા માટે અલગ બસ ફાળવવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કિંખલોડ અને આસપાસના ગામોના અનેક વિદ્યાર્થીઓ રોજબરોજ આણંદમાં અભ્યાસ માટે જાય છે. પરંતુ ભાદરણ તરફથી આવતી બસમાં પહેલેથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવાથી કિંખલોડ પહોંચ્યા બાદ બસમાં પૂરતી જગ્યા રહેતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સમયસર આણંદ પહોંચવામાં મુશ્કેલી પડે છે.
ગંભીરા-બોરસદ તરફના બસ વ્યવસ્થાના પ્રશ્નોનો પણ ઉકેલ વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ગંભીરા-બોરસદ તરફના બસ રૂટની વ્યવસ્થાને લઈને પણ વારંવાર મુશ્કેલીઓ ઉભી થતી રહી છે. લાંબા સમયથી વિદ્યાર્થીઓ દ્વારા બસ સુવિધામાં સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિરાકરણ ન આવતાં આખરે વિદ્યાર્થીઓએ બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો.
વિદ્યાર્થીઓના આંદોલનને પગલે સ્થળ પર ભારે હોબાળો સર્જાયો હતો. ઘટનાની જાણ 112 ઈમરજન્સી સેવાને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી મામલો થાળે પાડયો હતો. હવે કિંખલોડ તથા આસપાસના ગામોના વિદ્યાર્થીઓને આણંદ અભ્યાસ માટે પૂરતી બસ સુવિધા મળે તે માટે એસટી તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો