વર્ષ 2026ની ખરીફ્ ડાંગરની સીઝનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વણાકબોરી ડેમમાંથી 5,000 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે, પરંતુ ચાલુ સીઝન પૂરતી કરવામાં આવેલી પાણીની વ્યવસ્થા સાથે આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતોના સિંચાઈના પ્રશ્નનો કાયમી ઉકેલ આવતો નથી. ક્કએક સીઝનનું પાણી નહીં, વર્ષો સુધીની સિંચાઈની ગેરંટી જોઈએ તેવી ખેડૂતોની મુખ્ય માંગ છે.

આણંદ-ખેડા જિલ્લાના સિંચાઈ વિસ્તારને કડાણા ડેમ તેમજ નર્મદા ડેમમાંથી પાણી આપવાની હાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે સિંચાઈના પાણી માટે સરકારના હંગામી નિર્ણયની રાહ જોવી પડે તે સ્થિતિનો હવે કાયમી અંત આવવો જોઈએ. બંને જિલ્લાના ખેડૂતોની જમીનોનો નર્મદા સિંચાઈ વિસ્તારમાં કાયમી સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂત આગેવાન બળવંતસિંહ નાથુભાઈ પરમાર દ્વારા આંદોલનનો કાર્યક્રમ યથાવત્ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત તા. 9મી સપ્ટેમ્બર, 2026ના રોજ ખંભાત ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી, મહી કેનાલ કોલોની, ONGC સામે, કંસારી ખાતે ખેડૂતો એકત્ર થશે. ત્યારબાદ આગામી તા. 14મી સપ્ટેમ્બર, 2026ના રોજ તારાપુર-વટામણ ચોકડી તરફ્ જતા હાઈવે પર મોજે ગલિયાણા ગામ પાસે ચક્કાજામનો કાર્યક્રમ પણ યથાવત રહેશે.

આ ઉપરાંત ખેડૂત અગ્રણી બળવંતસિંહ નાથુભાઈ પરમારે આણંદ અને ખેડા જિલ્લાના તમામ ખેડૂતોને જય જવાન, જય કિસાનના હુંકાર સાથે અપીલ કરી છે કે આંદોલન રદ થયું હોવાની કોઈપણ અફ્વા પર વિશ્વાસ ન કરે. ચાલુ સીઝનનું પાણી ખેડૂતો માટે રાહત છે, પરંતુ કાયમી સિંચાઈ વ્યવસ્થા ખેડૂતોનો અધિકાર અને મુખ્ય માંગ છે. નર્મદા સિંચાઈ વિસ્તારમાં જમીનોનો કાયમી સમાવેશ ન થાય ત્યાં સુધી ખેડૂતોની આ લડત ચાલુ રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો