આંકલાવ તાલુકાના આસોદર ગામના કરણેટપુરા વિસ્તારમાં આવેલા GR-14 મહી કેનાલ પાસે રહેતા ગ્રામજનોએ સિંચાઈ વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વર્ષોથી માત્ર 170 મીટરના રસ્તાની માંગણી છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. હવે કેનાલની સફાઈ દરમિયાન નીકળેલી ગંદકી રહેણાંક વિસ્તાર અને ઘર સામે ઠાલવી દેવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષથી રસ્તા માટે મહી કેનાલ વિભાગમાં વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદ 'સ્વાગત' કાર્યક્રમમાં પણ કરવામાં આવી હતી. જોકે સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે કેનાલમાંથી કાઢવામાં આવેલી ગંદકી સીધી ઘર સામે નાખી દેવામાં આવી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિક લાલસિંહ ચંદુભાઈ પઢીયારે જણાવ્યું કે, અમે રસ્તા માટે અનેક વખત અરજી કરી, પરંતુ કોઈ સાંભળતું નથી. બે દિવસ પહેલાં કેનાલની સફાઈ દરમિયાન આખી ગંદકી મારા ઘર સામે નાખી દેવામાં આવી. આ અંગે પૂછતાં પણ કોઈ જવાબ આપતો નથી. 20થી વધુ બોરસદ સિંચાઈ વિભાગે અહીં મુલાકાત લીધી હતી જે માત્ર ફેટો સૂટ કરી જતા રહેતા હતા સ્વાગતમાં રજૂઆત કર્યા બાદ જાણે અમને હેરાન કરવા માટે જ આવું કરવામાં આવ્યું હોય તેવી લાગણી થાય છે. ગ્રામજનોનું કહેવું છે કે રહેણાંક વિસ્તાર પાસે ગંદકીના ઢગલાથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને આરોગ્યને પણ જોખમ ઊભું થયું છે. એક તરફ્ રસ્તાની સુવિધાથી લોકો વંચિત છે તો બીજી તરફ્ તંત્રની આવી કામગીરીથી લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ જિલ્લા વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની તેમજ વર્ષોથી અટવાયેલો રસ્તાનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવાની માંગ કરી.
