બોરસદ-આણંદ રોડ ઉપર આવેલા વાંસખીલીયા ગામની સીમમાં નિજાનંદ રિસોર્ટની સામે ગત રાત્રિના સુમારે બે બાઈકો સામસામે ભટકાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ આશાસ્પદ યુવકોના મોત થયા હતા. જ્યારે ત્રણને ઈજાઓ થવા પામી હતી. જે પૈકી બેને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે એક યુવકને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.

મળતી માહિતી મુજબ બોરસદ ખાતેથી અન્સારમીયાં ઝુબેરમીયાં મલેક (ઉં.વ. 24), અસ્લમખાન ઈદ્રેશખાન પઠાણ (ઉં.વ. 23) અને ઝુબેર કાઝી નામના યુવકો બાઈક ઉપર સવાર થઈને આણંદ તરફ આવી રહ્યા હતા. રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારશે તેઓ વાંસખીલીયા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન આણંદની નાપા તરફ આવતા બાઈક સાથે અકસ્માત થયો હતો. બંને બાઈકો સામસામે જોરથી ભટકાતાં ઉછળીને રોડની સાઈડમાં આવેલી ગટરમાં પડયા હતા. સાથે સાથે બાઈકોના પણ ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. અકસ્માતને પગલે ત્યાંથી પસાર થતા વાહનચાલકો ઉભા થઈ ગયા હતા અને તુરંત જ 108 તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી તેઓ આવી પહોંચ્યા હતા અને તપાસ ઘવાયેલીઆોની સ્થળ પર જ પ્રાથમિક સારવાર ચાલુ કરી દીધી હતી અને કરમસદ અને આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે સમીર રાજુભાઈ રાણા (ઉં.વ. 18, રહે. નાપાવાંટા), અરમાન રફીકભાઈ રાણા (ઉં.વ. 19, રહે. નાપાવાંટા) અને અન્સારમીયાં ઝુબેરમીયાં બેલીમ (ઉં.વ. 24, રહે. બોરસદ)ના મોત થયા હતા. જ્યારે તનવીરખાન રીયાઝખાન રાણા (નાપાવાંટા) અને અસ્લમખાન ઈદ્રેશ ખાન પઠાણ (બોરસદ)ને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે-પગલે મૃતકો અને ઈજા પામનારના સગાસંબંધીઓ પણ ઘટનાસ્થળે અને કરમસદ અને આણંદની જનરલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને ભારે રોકકડ કરી મૂકી હતી. જેને લઈને સમગ્ર વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ જવા પામી હતી. અકસ્માતને લઈને પોલીસે ઘટનાસ્થળની વિઝિટ કરીને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. સાથે સાથે ઘવાયેલા યુવકોની પણ પુપરછ હાથ ધરીને ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ છે. બોરસદના અસ્લમખાન પઠાણના પરીવારજનોના જણાવ્યા અનુસાર હજી બે-ત્રણ મહિના પહેલાં જ આ બાઈક નવું ખરીદ્યું હતું અને તે લઈને આણંદ જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.