ખંભાત શહેર ખાતેની જબરેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આણંદ જિલ્લાકક્ષાના 77મા વન મહોત્સવની ઉજવણી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ પર્યાવરણના જતન માટે દરેક નાગરિકને વધુમાં વધુ વૃક્ષો વાવી તેના જતનની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વૃક્ષો માનવજીવન માટે પ્રાણવાયુનો મુખ્ય સ્ત્ર્રોત છે અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં તેમનું મહત્વ અત્યંત વિશિષ્ટ છે. ખંભાત જેવા દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયાઈ ધોવાણ અટકાવવા મેંગ્રુવના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.   

આ અંગે મંત્રી રમણભાઈ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા એક પેડ મા કે નામ અભિયાનનો ઉલ્લેખ કરી દરેક વ્યક્તિને પોતાના જન્મદિવસે અથવા માતાની યાદમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલે પણ પર્યાવરણ બચાવવા વૃક્ષારોપણને જનઆંદોલન બનાવવા અનુરોધ કર્યો હતો. ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ જીલુભા સિંધાએ પ્રસંગોચિત ઉદબોધન કરી વૃક્ષોના મહત્વ અંગે લોકોને જાગૃત કર્યા હતા. આ અંગે રેન્જ ફોરેસ્ટ અધિકારી નરેન્દ્ર દેસાઈના જણાવ્યા મુજબ કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લામાં વન વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને મંત્રી તથા મહાનુભાવોના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ વૃક્ષ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો, જેના માધ્યમથી ગામેગામ લોકોને નિઃશુલ્ક વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમના પ્રારંભે નાયબ વન સંરક્ષક સુરેશ મીણાએ સૌનું સ્વાગત કર્યું હતું, જ્યારે જૂનાગઢના વન સંરક્ષક રામ રતન નાલાએ વન વિભાગની કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. અંતે ફોરેસ્ટ અધિકારી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.   

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવાહૂતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, રેન્જ ફોરેસ્ટ અધિકારી નરેન્દ્ર દેસાઈ,ખંભાત તાલુકા પંચાયત પ્રમુખ મંગળભાઈ સોલંકી, ખંભાત નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન રાણા, પ્રાંત અધિકારી કુંજલ શાહ, શાળાના ટ્રસ્ટી જીગ્નેશભાઈ પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ, ખેડૂતો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રી રમણભાઈ સોલંકી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો