આણંદ જીલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં વાસદથી તારાપુર જતા હાઈવે પર સુંદણ ગામના ફાટક પાસેથી એક કારમાં લઈ જવાતો 55.200 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડયો છે. પોલીસે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે કારચાલક અફઝલ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. ગાંજના જથ્થાની કિંમત રૂ. 2796 લાખ સહિત કાર, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 36,17,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ એન્ટી નાર્કોટિક્સ વિંગના અધિકારીઓને બાતમી મળી હતી કે, એક સફેદ રંગની અર્ટિગા કારમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ભરીને સુરતથી વાસદ થઈ રાજકોટ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એન્ટી આર્કોટિક્સ વિંગના અધિકારી, આણંદ એસઓજીની ટીમ સુંદણ ફાટક પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન બાતમીવાળી કાર રસ્તાની બાજુમાં ઉભેલી મળી આવતાં પોલીસે તેને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાની ઓળખ ગીતાબેન રણજીતભાઈ વાળા (રહે. ગોકુલનગર, રાજુલા, અમરેલી) અને પુરૂષની ઓળખ શાહિદ દાઉદભાઈ ચૌહાણ (રહે. કામળફળી, ચોડક, ખાટકીવાડ, નારી ચોકડી, ભાવનગર) તરીકે કરી હતી. જ્યારે કારચાલક અફઝલ પેશાબ-પાણી કરવા નીચે ઉતર્યો હોવાનું અને પોલીસની કાર્યવાહી દરમિયાન ફરાર થઈ ગયાનું જાણવા મળ્યું હતું. પકડાયેલા પદાર્થની ખરાઈ કરવા એફએસઅલની ટીમને નાર્કો કીટ સાથે બોલાવવામાં આવી હતી. તપાસમાં પદાર્થ ગાંજો જ હોવાની પુષ્ટિ થતાં તેનું વજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 55.200 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની અંદાજીત કિંમત રૂ. 27.96 લાખ થાય છે. પોલીસે શાહિદ પાસેથી રૂ. 1,000 અને બેગમાંથી રૂ. 3,09,800 રોકડા મળી કુલ રોકડ રકમ, ત્રણ મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. 36,17,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે વાસદ પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.