આંકલાવના ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટમાં શનિ-રવિની રજા માણવા આવેલા વડોદરાના તાદલજાના સિદ્દીકી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો છે. પરિવારના બે માસૂમ જોડિયા બાળકો હમજા સિદ્દીકી અને નોમાન સિદ્દીકીનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે.  

વધુમાં મળતી માહિતી મુજબ, સિદ્દીકી પરિવાર શનિ રવિની રજાઓ માણવા કામધેનુ રિસોર્ટ ખાતે આવ્યો હતો. દરમિયાન બંને જોડિયા ભાઈઓ સ્વિમિંગ પૂલમાં નાહવા ગયા હતા. આક્ષેપ મુજબ બંને બાળકો એડલ્ટ સ્વિમિંગ પૂલ તરફ્ પહોંચી ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા. બાળકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ બંનેના જીવ બચાવી શકાયા નહોતા.ઘટનાની જાણ થતાં આંકલાવ પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતી અને આંકલાવ સરકારી હોસ્પિટલ ખાતે બને બાળકોને લાવ્યા હતા અને ફરજ પર રહેલ તબીબે બંને મૃત જાહેર કરવામાંઆવ્યા હતા ત્યારબાદ આંકલાવ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બંને બાળકોના મોત પાછળ કોઈ બેદરકારી રહી હતી કે નહીં, રિસોર્ટમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં અને સ્વિમિંગ પૂલ ખાતે જરૂરી દેખરેખ તથા સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ હતી કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  

પરિવારજનોના વધુમાં જણાવ્યા મુજબ, બાળકોએ રિસોર્ટમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પિતાને પણ સાથે આવવા માટે મનાવ્યા હતા. પરિવાર માટે રજાનો દિવસ જીવનની ક્યારેય ન ભૂલી શકાય તેવી કરુણ યાદ બની ગયો છે. ઘટનાને વધુ કરુણ બનાવતી બાબત એ છે કે બંને જોડિયા ભાઈઓનો જન્મદિવસ આગામી 27 ઓગસ્ટે આવવાનો હતો. પરિવાર બાળકોનો જન્મદિવસ ઉજવવાની તૈયારીમાં હતો, પરંતુ જન્મદિવસના માત્ર 11 દિવસ પહેલાં જ બંને ભાઈઓના એકસાથે મોતથી પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. આ ઉપરાંત બંને બાળકોના મોત બાદ પરિવારજનો દ્વારા રિસોર્ટ મેનેજમેન્ટ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્વિમિંગ પૂલની સુરક્ષા વ્યવસ્થા, બાળકો અને એડલ્ટ પૂલ વચ્ચેની વ્યવસ્થા, દેખરેખ માટે પૂરતા કર્મચારીઓની હાજરી તેમજ જરૂરી સેફ્ટી સાધનો સહિતના મુદ્દાઓ હવે તપાસના કેન્દ્રમાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો