આણંદ રૂરલ પોલીસે નાપાડના બાબરી વિસ્તાર ગુડઝ રેલવે ટ્રેક નજીક રોડ ઉપર વોચ ગોઠવીને બાઈક પર ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને જતા બે શખ્સોને ઝડપી પાડીને કુલ રૂ. 12,500નો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને માહિતી મળી હતી કે, બે શખ્સો બાઈક પર ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને બાબરી વિસ્તારમાં ડીલીવરી આપવા માટે આવવાના છે. જેથી પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન બાઈક પર મીણિયાનો કોથળો લઈને આવી પહોંચેલા બે શખ્સોને રોકીને તપાસ કરતાં કોથળામાંથી ચાઈનીઝ દોરીના 25 ફિરકાઓ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. 7,500 જેટલી થવા જાય છે. પોલીસે પકડાયેલા શખ્સોનાં નામઠામ પુછતાં જલાઉદ્દીન ઉર્ફે જલો સમશેર મલેક અને સલમાનખાન બાબુભાઈ ઉર્ફે બાબુ ઘડિયાળી મલેક (રહે. નાપાડ વાંટા)ના હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાઈક સાથે કુલ રૂ. 12,500નો મુદ્દામાલ જપ્ત કરીને બંનેની પુછપરછ કરતાં ઉક્ત મુદ્દામાલ ફારૂક ઉર્ફે ફાલજી (રહે. નાપાડ વાંટા)એ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.










