આણંદ શહેરના પોશ વિસ્તાર ગણાતા એ.વી. રોડ પર આવેલી શિતલ કો.ઓપરેટીવ સોસાયટના એક બંધ મકાનમાં તાળું તોડી ચાંદીની કિંમતી ચીજવસ્તુઓ અને બ્રાન્ડેડ ઘડિયાળોની ચોરી કરનાર બે તસ્કરોને સર્વેલન્સ સ્કોર્ડે ઝડપી લીધા છે. પોલીસે ઉમરેઠ અને વડોદરાખાતે રહેતા બે આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી ચાંદીના દાગીના, મોંઘી ઘડિયાળો, ગુનામાં વપરાયેલા બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ રૂા. 2,45,620/-નો મુદમાલ જપ્ત કર્યો છે. આણંદ વિદ્યાનગર રોડ પરની શિતલ સોસાયટીમાં એક બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ અંદરની તિજોરીમાંથી રૂા. 75,620/-ની કિંમતના ચાંદીના વાસણો, મૂર્તિઓ તથા રૂા. 65,000/-ની મત્તાની રાડો અને કોચ કંપનીની ઘડિયાળ મળી કુલ રૂા. 1,40,000/-ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે સર્વેલન્સ સ્કોર્ડના હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલોની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તથા આણંદ નેત્રમ શાખાના સીસીટીવી કેમેરા ચકાસી ચોરી આચરનાર બે શંકાસ્પદ ઈસમોની ઓળખ કરી હતી. જેમાં ઉમરેઠ અને વડોદરાના માંજલપુર ખાતે રહેતા મનસુખ ઉર્ફે મનિષ વિષ્ણુભાઈ ગોદારીયા (દંતાણી, ઉ.વ. 27) તથા ઉમરેઠના દિલિપ ઉર્ફે પાપો ભગવતભાઈ દંતાણી (ઉ.વ. 21)ને ઝડપી પાડયા હતા. તપાસ દરમિયાન આ ઈસમો પાસેથી ચાંદીની ગણપતિ અને લક્ષ્મીજીની મૂર્તિઓ, કંદોરી, શ્રીયંત્ર, સિક્કા સહિત 479.400 ગ્રામ ચાંદી, કિંમત રૂા. 75,620/- રાડો અને કોચ કંપનીની ઘડિયાળો કિંમત રૂા. 65,000/- મળી કુલ રૂા. 1,40,000/- તથા એક મોટર સાયકલ કિમત રૂા. 1,00,000/- અને સ્માર્ટ ફોન મળી કુલરૂા. 2,45,620/-નો મુદમાલ જપ્ત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો