આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ઉમેટા બ્રિજ પરથી એક જ દિવસમાં બે યુવકોએ મહીસાગર નદીમાં ઝંપલાવતાં ચકચાર મચી ગઈ હતી. શનિવારે બપોરે એક રિક્ષાચાલકે પોતાની રિક્ષા બ્રિજ પાસે પાર્ક કર્યા બાદ મહીસાગર નદીમાં છલાંગ લગાવી હતી. ઘટનામાં શોધખોળ ચાલી રહી હતી. ત્યારે શનિવારે રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે કોઠીયાખાડ ગામના 22 વર્ષીય સુનિલ રમેશભાઈ પઢિયારે પણ પોતાનું બાઈક બ્રિજ પર પાર્ક કરી નદીમાં ઝંપલાવ્યું હતું.
બીજી ઘટના બાદ ફયરબ્રિગેડની ટીમે વહેલી સવારથી મહી નદીમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. નદીમાં લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ આશરે 11 કલાકે કોઠીયાખાડના સુનિલ રમેશભાઈ પઢિયારનો મૃતદેહ મળી આવ્યો હતો. આંકલાવ પોલીસે મૃતદેહનો કબજો મેળવી આંકલાવ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. એક જ દિવસે ઉમેટા બ્રિજ પરથી બે યુવકોની નદીમાં છલાંગની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. સુનિલ પઢિયારે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. બીજી તરફ્, બપોરે નદીમાં ઝંપલાવનાર વડોદરાના રિક્ષાચાલકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ફયર બ્રિગેડની ટીમ દ્વારા તેની શોધખોળ યથાવત રાખવામાં આવી છે, જ્યારે બંને ઘટનાઓને પગલે પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
