ઉમરેઠ શહેર પોલીસે ગઈકાલે ઉમરેઠ-નડીઆદ રોડ ઉપર આવેલી દ્વારકાધીશ હોટેલ પાસેથી એક બંધ બોડીના કન્ટેનરને ઝડપી પાડીને સુરતના કતલખાને લઈ જવાતી 22 ભેંસોને બચાવી લીધી હતી. પોલીસે પાયલોટીંગ કરતા બાઈક ચાલક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરીને કુલ 16 લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો દાખલ કરી ભેંસો મોકલનાર શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે પોલીસને માહિતી મળી હતી કે, ઉમરેઠ તરફ્થી એક બંધ બોડીના કન્ટેનરમાં પશુઓને કતલખાને લઈ જનાર છે. જેના આધારે પોલીસે દ્વારકાધીશ હોટેલ પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે એક બંધ બોડીનું કન્ટેનર નંબર જીજે-27, ટીએફ્-8985નું આવી પહોંચતા જ પોલીસે તેને રોક્યું હતું. એ સાથે જ આગળ બાઈક પર પાયલોટીંગ કરતો શખ્સ પણ આવી પહોંચ્યો હતો. કન્ટેનરમાં બે શખ્સો સવાર હતા.

ઉમરેઠના જુનેદ કુરેશીએ ભેંસો કન્ટેનરમાં ભરાવીને સુરતના મીઠીખાડી કતલખાને રવાના કરાઈ હતી. પોલીસે ત્રણેયને રાઉન્ડ અપ કરીને તપાસ કરતા બંધ બોડીના કન્ટેનરની અંદર 22 જેટલી ચારથી પાંચ વર્ષની ઉંમરની ભેંસો મળી આવી હતી. ભેંસો માટે કોઈપણ જાતના ઘાસચારો, પાણીની વ્યવસ્થા કરાઈ નહોતી, અને અત્યંત ટૂંકા દોરડાથી હવા ઉજાસ વગર હેરાફેરી કરતા ઉજાગર થવા પામ્યા હતા. તેમની પાસે પશુઓની હેરાફેરી કરવા અંગે સક્ષમ અધિકારીનું લાયસન્સ માંગતા તે પણ નહીં હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ત્રણેય શખ્સોના નામઠામ પૂછતાં ડ્રાયવર યાસીન મુસાભાઈ મતાદાર, સોહિલ ફરીદભાઈ શેખ અને બાઈક પર પાયલોટીંગ કરનાર શખ્સ સમીર સલીમભાઈ કુરેશીને ઝડપ્યા હતા. ત્રણેયની ઝડતી કરતા રોકડા 11500, ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે 5.50 લાખની કિંમતની ભેંસો, કન્ટેનર સહિત કુલ 16,51,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પૂછપરછ કરી મુખ્ય આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ્ તમામ ભેંસોને પાંજરાપોળમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. ઉમરેઠમાંથી મોટાપાયે પશુઓને કતલખાનું મોકલવાનું રેકેટ ઝડપાતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: