આણંદ : 58 વર્ષની મહિલા જેને જન્મજાત હૃદયરોગ એટલે કે હૃદયમાં છિદ્ર હતું. શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના કાર્ડિયાક સેન્ટર ખાતે મિનિમલી ઈન્વેસિવ પદ્ધતિથી એ.એસ.ડી. ડિવાઈસ ક્લોઝર એટલે કે હૃદયના છિદ્રને દૂર કરવામાં આવ્યું. મહિલાએ શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના કાર્ડિયાક સેન્ટરનો સંપર્ક કર્યો જ્યાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તેમની સારવારનું આયોજન કરવામાં આવ્યું. સેન્ટરના કાર્ડિયોલોજીસ્ટ ડો. સુનિલ કર્ણએ જણાવ્યુ હતું કે, ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરની શરૂઆત થઈ ત્યારથી જ એ.એસ.ડી. ડિવાઈસ ક્લોઝર પ્રક્રિયા ટુ ડાયમેન્શનલ (2 ડી) ઈકો કાર્ડિયોગ્રાફીના માર્ગદર્શન હેઠળ નિયમિત રીતે કરવામાં આવે છે. જો કે આ કિસ્સામાં અમે અદ્યતન 4 ડાયમેન્શનલ (4 ડી) ઈકો કાર્ડિયોગ્રાફીનો ઉપયોગ કર્યો હતો, જે હૃદયની રચનાઓને વિગતવાર અને રિયલ ટાઈમ ત્રિપરિમાણિય દ્રશ્ય પ્રદાન કરે છે. આ ટેકનોલોજીની મદદથી ખામીનું ચોક્કસ મૂલ્યાંકન અને એ.એસ.ડી. ક્લોઝર ડિવાઈસનું સચોટ સ્થાપન શક્ય બન્યું. 4ડી ઈકો કાર્ડિયોગ્રાફીના માર્ગદર્શન હેઠળ એ.એસ.ડી. ક્લોઝર ડિવાઈસનું સચોટ સ્થાપન કરીને પ્રક્રિયા સફ્ળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી અને દર્દીના હૃદયના છિદ્રને દૂર કરાયું. દર્દીની તબિયતમાં સુધારો થતાં બે કલાક બાદ તેઓ ચાલવામાં સક્ષમ બન્યા હતા. બીજે દિવસે તેમની સ્થિતિમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
