આણંદ ખાતે 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી સાંગળપુરામાં પ્રમુખ સ્વામી બેન્કવેટ હોલ ખાતે યોજાઈ હતી. યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં મંત્રી રમણભાઈ સોલંકીએ ઉપસ્થિત રહીને સૌ નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીએ સમગ્ર દેશ અને વિશ્વને સ્વસ્થ રાખવા માટે યોગ દિવસને એક અત્યંત મહત્વનો અવસર ગણાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગનો ઉલ્લેખ કરતા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, યોગ એક એવી અંતર-ઊર્જા પ્રદાન કરે છે, જે વૃદ્ધાવસ્થામાં પણ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની ખાતરી આપે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવંત ઉદાહરણ આપતા કહ્યું કે, વડાપ્રધાનની ચાલવાની, કાર્ય કરવાની અને સતત પ્રવાસ કરવાની જે અદ્દભુત ઊર્જા આપણને જોવા મળે છે, તે યોગ અને સાધનાની જ શક્તિ છે. 


યોગ એ માત્ર કોઈ સામાન્ય વ્યાયામ નથી, પરંતુ આપણા જીવન સાથે જોડાયેલી એક ઉત્કૃષ્ટ કળા છે. તેમણે આ તકે સમાજનો દરેક નાગરિક નિરોગી બની લાંબુ આયુષ્ય ભોગવે તે માટે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા ઉપસ્થિત સર્વેને અનુરોધ કર્યો હતો. આણંદ ખાતે યોગ દિવસની ઉજવણીમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી દેવાહુતિ, મહાનગરપાલિકાના કમિશનર, મેયર દીપિકાબેન પટેલ, મયુરભાઈ સુથાર સહિત મોટી સંખ્યામાં શહેર તેમજ જિલ્લાના યોગપ્રેમી નાગરિકો કાર્યક્રમમાં સહભાગી બની યોગા અભ્યાસ કર્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: