આણંદના પેટલાદ સેવા સદનમાં વહીવટી તંત્રની એક મોટી બેદરકારી સામે આવી છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કચેરીમાં બપોરે 3 વાગ્યાના સમયે જ અચાનક 'હેલ્પ ડેસ્ક' બંધ કરી દેવામાં આવ્યું હતું. માર્ગદર્શન આપનાર કર્મચારીઓ જ સીટ પરથી ગાયબ થઈ જતાં દૂર-દૂરથી આવેલા અરજદારો અટવાઈ પડ્યા હતા અને કચેરી પરિસરમાં તેમની લાંબી લાઈનો જોવા મળી હતી.
ખાલી ખુરશીઓ અને વીજળીનો વેડફાટ
સેવાસદનમાં જ્યાં અરજદારોની મદદ માટે ટેબલ-ખુરશી મુકવામાં આવ્યા છે, ત્યાં કોઈ જ સ્ટાફ હાજર નહોતો. નવાઈની વાત એ છે કે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ છોડીને ગાયબ હતા, પરંતુ તેમની કેબિનમાં લાઈટો અને પંખાઓ ચાલુ હાલતમાં મૂકી દેવાયા હતા. આમ, એક તરફ અરજદારો હાલાકી ભોગવી રહ્યા હતા અને બીજી તરફ સરકારી તંત્ર દ્વારા વીજળીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હતો.













