ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ પતંગબાજીનો ઉત્સાહ વધ્યો છે, પરંતુ આ ઉત્સાહ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગામે પતંગ લૂંટવા જતાં એક 15 વર્ષીય કિશોરનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. ઉંદેલ ગામની કોઠીયા સીમમાં આ કરુણ અકસ્માત સર્જાયો હતો. એક 15 વર્ષીય કિશોર આકાશમાં કતરાયેલી પતંગને લૂંટવા માટે દોડી રહ્યો હતો.


ઉંદેલ ગામની કોઠીયા સીમમાં વીજ કરંટથી થયું મોત

પતંગ લૂંટવાની લ્હાયમાં તે ગાયો-ભેંસો બાંધવા માટે બનાવેલા એક શેડ પાસે પહોંચ્યો હતો. આ શેડ નીચેથી પસાર થતી વીજ લાઈન અથવા શેડના લોખંડના ભાગમાં ઉતરેલા વીજ કરંટના સંપર્કમાં કિશોર આવી ગયો હતો. વીજ કરંટ એટલો જોરદાર હતો કે કિશોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ પરિવાજનો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો

વ્હાલસોયા દીકરાના નિષ્પ્રાણ દેહને જોઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ લઈ કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. તહેવાર પૂર્વે જ બનેલી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પતંગ લૂંટવી કેટલી જોખમી હોઈ શકે છે. વહીવટી તંત્ર અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે બાળકોને પતંગ લૂંટવાથી રોકવા જોઈએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: