આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ બાતમીના આધારે દરોડા પાડીને મોટા પાયે ચાલતા દારૂના કટિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એક ફાર્મ હાઉસમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે જ પોલીસે ત્રાટકીને કુલ 43.45 લાખ રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે ટ્રકમાં ડુંગળીના કોથળાઓની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે રેડ દરમિયાન અંધારાનો લાભ લઈ ફરાર થયેલા અન્ય 6 શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ડુંગળીના ટ્રકમાં દારૂની હેરાફેરી
SMC ની આ કાર્યવાહીમાં માત્ર દારૂ જ નહીં, પરંતુ હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા 6 વાહનો સહિત કુલ 74.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ફાર્મ હાઉસનો ઉપયોગ દારૂના મોટા જથ્થાને નાના વાહનોમાં સપ્લાય કરવા માટે 'કટિંગ પોઈન્ટ' તરીકે કરવામાં આવતો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ચાલતા આ મોટા કારોબાર પર ગાંધીનગરની ટીમે દરોડો પાડતા સ્થાનિક પોલીસ તંત્રમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસે તમામ વાહનો કબજે કરી પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે જેથી આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો તેની વિગતો જાણી શકાય.
