આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં નકલી પોલીસ બનીને રોફ જમાવતા એક ઈસમની તારાપુર પોલીસે ધરપકડ કરી છે. આ નકલી પોલીસ ગલિયાણા બ્રિજ પાસેથી ઝડપાયો હતો, જેણે પોતાની કાર પર 'પોલીસ' લખેલી નંબર પ્લેટ લગાવીને ફરતો હતો અને લોકોને છેતરતો હોવાની આશંકા છે.


તારાપુરમાં નકલી પોલીસ ઝડપાયો

પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુર પોલીસ દ્વારા ગલિયાણા બ્રિજ પાસે નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન એક સફેદ કલરની અલ્ટો કાર શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. આ કારની નંબર પ્લેટ પર સરકારી વાહનોની જેમ સ્પષ્ટ મોટા અક્ષરે 'પોલીસ' લખેલું હતું. પોલીસે કારચાલક પૃથ્વીરાજસિંહ કનકસિંહ પરમારની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં માલુમ પડ્યું કે આ શખ્સ વાસ્તવમાં પોલીસ કર્મચારી નથી, પરંતુ ખોટી રીતે પોલીસ બનીને વિસ્તારમાં રોફ જમાવતો હતો અને લોકોને ડરાવી-ધમકાવીને કે છેતરીને પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરતો હતો.

કારમાં પોલીસ લખેલી નંબર પ્લેટ સાથે ઝડપાયો

તારાપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નકલી પોલીસ પૃથ્વીરાજસિંહ પરમારની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની પાસેથી કાર (જેના પર 'પોલીસ' લખેલી નંબર પ્લેટ હતી) સહિત અન્ય વસ્તુઓ પણ કબ્જે લીધી છે. પોલીસે હાલ આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તે કેટલા સમયથી આ પ્રકારે નકલી પોલીસ બનીને ફરતો હતો અને કોને કોને છેતર્યા છે, તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: