આણંદ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. શહેરની પ્રખ્યાત મોટી શાક માર્કેટ વિસ્તારમાં વર્ષોથી જમાવાયેલા ગેરકાયદેસર દબાણો પર આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આણંદ એપીએમસી (APMC) દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આણંદમાં ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ
મોટી શાક માર્કેટમાં વેપારીઓ અને અન્ય શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે પાકા ઓટલાઓ બનાવી દેવામાં આવ્યા હતા. આ દબાણોના કારણે માર્કેટમાં અવરજવર માટેની જગ્યા ખૂબ જ સાંકડી થઈ ગઈ હતી.ખરીદી કરવા આવતા ગ્રાહકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ હોવાથી સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ હતો.










