ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે. આણંદના મોગર નજીક આવેલી અંબિકા ડેરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ડેરીમાંથી મોટા પાયે શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.


400 કિલો શંકાસ્પદ માવો જપ્ત

અંબિકા ડેરી પર કરવામાં આવેલા આ રેડ દરમિયાન તપાસ ટીમોને આશરે 400 કિલો જેટલો શંકાસ્પદ માવાનો જથ્થો મળી આવ્યો હતો. તહેવારોની સિઝન પહેલા કે સામાન્ય દિવસોમાં આ માવાનો ઉપયોગ મીઠાઈઓ બનાવવામાં થવાનો હતો કે, કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. ભેળસેળની પ્રબળ આશંકા હોવાને કારણે અધિકારીઓએ આ 400 કિલો માવાનો આખો જથ્થો સ્થળ પર જ સિઝ કરી લીધો છે.

FSLની મદદથી વૈજ્ઞાનિક તપાસ શરૂ

ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે કોઈ સમજૂતી ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ શંકાસ્પદ માવાના જરૂરી સેમ્પલ (નમૂના) મેળવ્યા છે. આ માવામાં કયા કેમિકલ કે હાનિકારક પદાર્થોની ભેળસેળ કરવામાં આવી છે તેની ચોક્કસ માહિતી મેળવવા માટે એફએસએલ (FSL) ની મદદ લેવામાં આવી રહી છે અને વૈજ્ઞાનિક ઢબે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ

આણંદ પંથકમાં અંબિકા ડેરી પર તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીને પગલે નકલી અને શંકાસ્પદ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આગામી સમયમાં પણ જિલ્લાની અન્ય ડેરીઓ અને મીઠાઈની દુકાનો પર તપાસ તેજ રાખવાનો સંકેત આપ્યો છે.

રિપોર્ટ આવ્યા બાદ કડક પગલાં લેવાશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબોરેટરીમાંથી માવાના સેમ્પલનો ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો આ માવો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થશે, તો ડેરીના સંચાલકો અને જવાબદાર તમામ લોકો સામે ફૂડ સેફ્ટી એક્ટ અને અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધીને જેલ ભેગા કરવામાં આવશે.


આ પણ વાંચો - Anand : થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી આણંદની બે બહેનોને લાઓસમાં વેચી દીધી, આર્મીની મદદથી દિલધડક રેસ્ક્યુ


  • Follow us on: