મધ્ય ગુજરાતના મહત્વના ગણાતા આણંદ રેલ્વે સ્ટેશન પર સુરક્ષાની જવાબદારી સંભાળતા RPF (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) ના જવાનની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્ટેશન પર સુરક્ષા માટે તૈનાત એક જવાને એક કિન્નર સાથે અત્યંત ખરાબ વર્તન કરી તેની સાથે કાયદો હાથમાં લીધો હતો. પ્લેટફોર્મ પર મુસાફરોની હાજરીમાં જ આ જવાને કિન્નર પર હિંસક હુમલો કરતા સ્ટેશન પર અફરાતફરી મચી ગઈ હતી.
દાદર ચઢતી વખતે ઝીંક્યા તમાચા
વાયરલ થયેલા વીડિયો અને પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે કિન્નર પ્લેટફોર્મના દાદર ચઢી રહ્યો હતો. તે સમયે RPF જવાને કોઈપણ ઉશ્કેરણી વગર કિન્નરને રોક્યો હતો અને ત્યારબાદ તેના વાળ પકડીને ખેંચ્યા હતા. એટલું જ નહીં, જવાન એટલી હદે ઉશ્કેરાયો હતો કે તેણે કિન્નરના મોઢા પર એક પછી એક ત્રણ તમાચા ઝીંકી દીધા હતા. જાહેરમાં એક કિન્નર સાથે કરવામાં આવેલા આ અમાનવીય વ્યવહારથી ત્યાં હાજર મુસાફરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.













