આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ અપાવવા માટે ઉમરેઠ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉમરેઠ પાલિકા તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે સતત બીજા દિવસે પણ ગેરકાયદે દબાણો હટાવવાની એક મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ આક્રમક કાર્યવાહી દરમિયાન પાલિકાના બુલડોઝરે 100થી વધુ ગેરકાયદેસર કાચા દબાણો પર ફરી વળીને તેમને જમીનદોસ્ત કરી દીધા હતા.
મુખ્ય માર્ગો પરથી ગેરકાયદે દબાણ હટાવાયા
ઉમરેઠ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય અને વ્યસ્ત વિસ્તારો જેવા કે, વડાબજાર, બસ સ્ટેશન રોડ, ઓડ બજાર, કોર્ટ રોડ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સહિતના અનેક મુખ્ય માર્ગો પરથી ગેરકાયદે લારી-ગલ્લા અને શેડના દબાણો હટાવી દેવાયા છે. આ કડક કાર્યવાહીને પગલે વર્ષોથી રસ્તા નડતરરૂપ બનેલા દબાણો દૂર થતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થઈ છે.













