જલાલપોર તાલુકાના એથાણ ગામમાં ઘરકંકાસની એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર જમવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં પત્ની પર કુહાડી વડે હિંસક હુમલો કરી પતિએ તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. પોલીસે આ મામલે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
એથાણ ગામના હળપતિવાસમાં રહેતા સુખા હળપતિ અને તેની ૩૪ વર્ષીય પત્ની મનીષા વચ્ચે શનિવારે બપોરે અંદાજે ૧:૦૦ વાગ્યાના સુમારે બોલાચાલી થઈ હતી. વિવાદનું કારણ તદ્દન નજીવું હતું. માત્ર જમવા બાબતે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. આ બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, શરૂઆતમાં આસપાસના લોકોએ દોડી આવી મધ્યસ્થી કરી હતી અને બંનેને સમજાવી મામલો શાંત પાડ્યો હતો.
આવેશમાં આવી કુહાડીથી કર્યો હુમલો
સ્થાનિકોની સમજાવટ બાદ સુખા હળપતિ થોડો સમય શાંત રહ્યો હતો, પરંતુ તેનો ગુસ્સો શમ્યો નહોતો. થોડી જ વારમાં તે ફરીથી આવેશમાં આવી ગયો હતો અને ભાન ભૂલીને ઘરમાં રહેલી કુહાડી ઉઠાવી હતી. ઉશ્કેરાયેલા સુખાએ તેની પત્ની મનીષા પર કુહાડીના એક પછી એક ઘાતક ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો હિંસક હતો કે ગંભીર રીતે લોહીલુહાણ થયેલી મનીષાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
ઘટનાની જાણ થતાં જ જલાલપોર પોલીસનો કાફલો તાત્કાલિક એથાણ ગામ પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી પત્નીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.જલાલપોર પોલીસે આરોપી સુખા હળપતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.પોલીસે હત્યારા પતિને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વર્ષ 2026-27 માટે RTE પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ, DEO દ્વારા શાળાઓ પાસેથી બેઠકોની માહિતી મંગાવાઈ