પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે LCB ની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીવાળા સ્થળે દરોડો પાડતા પોલીસે એક શખ્સને મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. પકડાયેલ આરોપીનું નામ મયુર પ્રવિણભાઈ જોષી (ઉંમર વર્ષ 21) છે. જેનું રહેઠાણ પ્લોટ નં. 9, બાગેથી સોસાયટી, મેઘપર બોરીચી, તા. અંજાર છે.
LCBની કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની નાની-મોટી બોટલોનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. કબ્જે કરેલ બોટલો: 138 નંગ, જેની કુલ કિંમત છે રૂ.1,32,600 (એક લાખ બત્રીસ હજાર છસો રૂપિયા). LCBની આ કામગીરીને પગલે સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આગળ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે. હાલ આરોપી અને મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંજાર પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.













