અંકલેશ્વરઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ભારે વરસાદ વચ્ચે વરસાદી ગટરોમાં ફરી એકવાર લીલા-પોપટી રંગનું પ્રદૂષિત પાણી વહેતું જોવા મળતાં પર્યાવરણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ આ પ્રદૂષિત પાણી રંગોનું ઉત્પાદન કરતી કંપનીમાંથી નીકળ્યું હોવાની ચર્ચા છે. કંપની ડાઈઝ અને ડાઈ ઈન્ટરમીડિયેટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સાથે વરસાદી ગટરોમાં લીલા-પોપટી રંગનું પાણી જોવા મળ્યું છે, જેના કારણે ઔદ્યોગિક પ્રદૂષણને લઈને ફરી સવાલો ઊભા થયા છે.અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફ્ટકારવામાં આવી હતી તેમજ વિવિધ દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. જોકે હાલની પરિસ્થિતિ જોતા તે દિશાનિર્દેશોનું અસરકારક પાલન થયું હોય તેવું દેખાતું નથી.હવે આ ઘટના બાદ GPCB દ્વારા સ્થળ તપાસ, પાણીના નમૂનાઓનું પરીક્ષણ અનેજવાબદાર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. પર્યાવરણવિદોનું માનવું છે કે વરસાદી મોસમ દરમિયાન દર વર્ષે આવી ઘટનાઓનું પુનરાવર્તન થવું ચિંતાજનક બાબત છે. કંપનીએ આ સમસ્યાના મૂળ કારણોની ઓળખ માટે નિષ્ણાતોની મદદ લઈને કાયમી ઉકેલ લાવવો જરૂરી બન્યો છે, જેથી વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી છોડવાની ફરિયાદો પર રોક લાગી શકે.
