અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામમાં ગત તા.7 જૂનના રોજ એક મોટી દુર્ઘટના સામે આવી હતી. અહીં આશરે 30 વર્ષ જૂની પાણીની ઓવરહેડ ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયત પ્રશાસનની લાપરવાહી સામે આવી છે. ટાંકીના વાયરલ થયેલા ફોટામાં આ એક ષડયંત્ર હોવાની પણ ચાડી ખાય છે.
ટાંકી અત્યંત જર્જરિત હોવાની વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રએ તેને વહેલી તકે ઉતારી લેવાના બદલે માત્ર સમારકામના નામે થીગડા મારવાનું કામ કર્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. હવે આ મામલે અકસ્માત પહેલા ટાંકીની જોખમી સ્થિતિના ફેટા વાયરલ થયા છે જેમાં બે શક્યતાઓ જણાઇ રહી છે. પહેલી શક્યતા એવી છે કે ટાંકીના બે પોલને કેટલાક તોફાની અસામાજિક તત્વો દ્વારા જાણી જોઇને તોડવામાં આવ્યા હતા કે જેથી મોટો અકસ્માત સર્જાય. બીજી શક્યતા એવી છે કે ટાંકી ખરેખર જર્જરિત હતી અને ગ્રામ પંચાયતે તેની સામે ભયંકર બેદરકારી દાખવી.










