અંકલેશ્વર : રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર-પીરામણ રોડ પર દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની વર્ષો જૂની ગંભીર સમસ્યાનો હવે કાયમી ઉકેલ લાવી દેવામાં આવ્યો છે.
ગત સમયમાં અંકલેશ્વરના શ્યામનગર અને હેપ્પીનગર વિસ્તારમાં સામાન્ય વરસાદ દરમિયાન પણ રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હતી. જેના પરિણામે સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહેવાસીઓ તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાને રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર-પીરામણ રોડને આર.સી.સી. (RCC) બનાવવા સાથોસાથ રોડની બંને બાજુ પૂરતી ક્ષમતા ધરાવતી વરસાદી ગટરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કારણે વરસાદી પાણીનો અત્યંત ઝડપથી નિકાલ થાય છે, જેથી ભારે વરસાદમાં પણ રસ્તા પર પાણી ભરાતું નથી.
